Wednesday, June 29, 2011

આત્મહત્યાઉત્સુક



 

એક પણ તારો બચશે નહીં આકાશમાં
રાત્રિ  સુદ્ધાં નહિ રહે.
હું મૃત્યુ પામીશ ને મારી સાથે સૂર્ય
અસહ્ય વિશ્વનો.
હું ભૂંસી નાખીશ પિરામિડો, સિક્કા,
ખંડો ને તમામ ચહેરા.
હું ભૂંસી નાખીશ એકત્ર થયેલો ભૂતકાળ 
હું પલટાવી દઈશ ઇતિહાસને ધૂળમાં , ધૂળમાંથી ધૂળ
હવે હું નીરખું છું અંતિમ સૂર્યાસ્ત..
હું સાંભળું છું અંતિમ પંખી.
હું કોઈને કાજે મૂકતો નહીં જાઉં ન હોવું. 

ગુલાબ અને મિલ્ટન










 

પેઢીઓનાં ગુલાબ જે ગૂમ થઇ ગયા છે
કાળની ગર્તામાં
હું એક ઉગારી લેવા માગું છું વિસ્મૃતીમાંથી
એક નિષ્કલંક ગુલાબ, ક્યારેય અસ્તિત્વ ધરાવતી
સઘળી ચીજોમાંથી. નિયતિ મને
ભેટ પસંદ કરવા અનુમતિ આપે છે માત્ર એક જ વાર
તે મૌન ફૂલ, અંતિમ ગુલાબ
જે મીલ્ટને ધાર્યું હતું પોતાની સમ્મુખ
અદ્રશ્ય.. હે સિંદૂરી, પીત
કે શ્વેત ગુલાબ નષ્ટ ઉપવનના.
તારો ભૂતકાળ હજી ચમત્કારિક રીતે
આ કવિતામાં ચમકે છે કાયમ
સોનેરી, રક્તિમ, હાથીદંતિ કે છાયામય
જાણે એના હાથમાં અદ્રશ્ય ગુલાબ.

 

 

Friday, June 24, 2011

શબ્દો






















મહમૂદ દરવીશ 


જ્યારે મારા શબ્દો ઘઉં હતા
હું ધરતી.



જયારે મારા શબ્દો ક્રોધ હતા
હું ઝંઝાવાત.

જયારે મારા શબ્દો ખડક હતા
હું નદી.

જ્યારે મારા શબ્દો મધ થઇ ગયા
માખીઓ છવાઈ ગઈ  મારા હોઠ પર.

બારી ઉઘડી ગઈ છે ફટાક














જેરોસ્લાવ સેફર્ત 

હજી અજવાળું ના આકાશે. ધૂમ્ર
હવામાં. બહાર રેત પર
એક આકૃતિ
અકળ . ધુમ્મસે ને આછા અજવાળે ઘેરાયેલી.
તમારા બારણાના
કાળા, તરડાયેલા કાષ્ઠ ઉપર ટકોરા મારે છે.

જો તમે પૂછો તમારા ઘરને ટકોરા મરનારનું નામ: એક સ્વર કહેશે-
જેને તેં તારી જિંદગીમાંથી કાઢી નાખ્યું
નકામા પથ્થરની જેમ,
જેને તેં ઢોળી દીધું
વાસી જળની જેમ,
જેને તેં સૂકાવા દીધું
બપોરતડકે
ફૂલછોડની જેમ,
જે સદા મૃત્યુ પામી રહ્યું છે, સદા પાછું ફરે છે.
મને કહે છે સત્ય.

કશું અટકાવતું નથી મને: તારા બારણાનું
કાષ્ઠ નહીં, નહીં તારા ઓરડાનું બારણું,
તારા દેહની ત્વચા નહીં, નહીં
તારા મગજ પરની અસ્થિછત        .

હું આવું છું અંદર
સૂર્યોદયની જેમ,
જેને આવતાં કોઈ અટકાવી શકતું નથી
એ દિવસની જેમ.