Friday, August 19, 2011

પ્રેમ




















ચેસ્લાવ મીલોસ્ઝ


પ્રેમ એટલે જોતાં શીખવું સ્વયને
જેમ કોઈ જોતું હોય દૂર સુદૂરની વસ્તુઓને
કેમકે તમે છો એક ચીજ અનેક માંહેની   
ને જે  આ રીતે   જુએ છે તે પોતાના હૃદયને સાજું કરે છે
અજાણપણે જ , અનેક દુરીતોથકી.
પંખી અને વાદળ કહે છે એને : મિત્ર.
પછી એ સ્વયંને ને ચીજોને પ્રયોજે છે
જેથી તે ઊભી શકે પક્વતાની આભામહીં.
એ કોની સેવા કરે છે એ જાણવું બહુ અગત્યનું રહેતું નથી,
જે શ્રેષ્ઠ સેવા કરે છે તે હમેશાં સમજે છે એમ નથી હોતું.

Thursday, August 18, 2011

આગ અને કીડીઓ



મેં આગમહીં એક સડેલું લાકડું ફેંક્યું, એ વાતે અજાણ કે એ જીવંત હતું કીડીઓથી.
લાકડું તડતડવા માંડ્યું, કીડીઓ જેમતેમ બહાર નીકળી આનવી ને જીવ પર આવી જઈ દોડવા લાગી.એ ટોચ ભણી દોડી ને ગોળગોળ ચકરાવા લાગી, જવાળાઓથી સિઝાતાં સિઝાતાં. મેં લાકડું પકડ્યું ને પલટાવ્યું, ઘણી કીડીઓ દોડી ગઈ રેત પર કે ચીડસૂચિકા પર.
પરંતુ નવાઈની વાત એ કે એ બધી જ આગથી દૂર ભાગી ગઈ નહીં. આતંક પર કાબૂ કરી લેતાંવેંત  એ ફરી ગોળ વર્તુળ રચી આવી, કોઈક બળ પાછું લઇ આવ્યું એમને એમના તજી દીધેલા વતનમાં. વળી ઘણી પાછી ચડી જલતા લાકડા પર, દોડાદોડ કરી મૂકી ને ત્યાં જ નાશ પામી. 


એલેક્સંદર સોલ્ઝેનિત્સીન

લાકડું: એલેક્ઝાંડર સોલ્ઝેનિત્સીન



અમે ઈંધણ લાકડાં વ્હેરતા હતા ત્યારે એક લાકડું ઉઠાવ્યું ને આશ્ચર્યનો ઉદગાર નીકળી ગયો. થડ પાડી નાખ્યે વરસ થવા આવેલું, એને ટ્રેકટર પાછળ ઘસડી લાવેલા ને વહેરીને ટુકડા કરેલા જે પછી હોડીમાં ને ગાડામાં લઇ આવેલા, ગબડાવીને ગંજ ખડકેલો ને જમીન પર ઢગલો કરેલો.ને છતાં આ લાકડાએ જતી વાત નહોતી કરી ! એમાંથી પ્રગાઢ પાંદડાંવાળી શાખા થવાની કે આખેઆખું વૃક્ષ થવાની આશાભર્યું એક તાજું,લીલુંછમ અંકુર ફૂટી નીકળ્યું હતું .

જલ્લાદના થડા પર મૂકતા હોઈએ એમ અમે લાકડું મૂક્યું કરવતઘોડા પર. પરંતુ અમે એની ઉપર અમારી કરવત મૂકી શક્યા નહીં. અમે શીદ મૂકી શકીએ? એ લાકડું અમારા જેટલી જ ઉત્કટતાથી ચાહતું હતું જિંદગીને. સાચે જ, એની જીજીવિષા હતી વધારે પ્રબળ, અમારા કરતાંય.