Wednesday, June 29, 2011

કવિતાની કલા












 
 
તાક્યા કરવું કાળ ને જળની નદીને  
ને યાદ કરવું કાળ છે અન્ય નદી.    
જાણવું કે આપણે ભટકી જઈએ છીએ નદીની જેમ  
અને આપણા ચહેરા ગૂમ થઇ જાય છે જળની જેમ. 
એમ લાગે છે કે જાગવું છે અન્ય સ્વપ્ન 
જે સપનું જુએ છે સપનું જોવાનું નહિ ને મૃત્યુ  
જેનાથી આપને ડરીએ છીએ આપણાં અસ્થિમહીં છે મૃત્યુ. 
જેને આપને દરેક રાત્રિએ  કહીએ  છીએ સ્વપ્ન. 
જોવું પ્રત્યેક દિવસ ને વર્ષમાં પ્રતિક  
મનુષ્ય ને તેનાં તમામ વર્ષોનાં  
ને વર્ષોના રોષને પલટી દેવો  
સંગીત,ધ્વનિ કે પ્રતીકમાં 
મૃત્યુમાં સ્વપ્ન જોવા, સૂર્યાસ્તમાં  
સોનેરી ગમગીની – આવી છે કવિતા  
નમ્ર અને શાશ્વત, કવિતા , 
પાછી  ફરે છે જાણે પરોઢ ને સૂર્યાસ્ત.
ક્યારેક સાંજે એક ચહેરો હોય છે  
જે જુએ છે આપણને દર્પણના ઉંડાણમાંથી, 
કવિતા એવી જ જાતનું દર્પણ હોવી જોઈએ  
આપણને આપણો ચહેરો ઉઘાડી આપતું .

કહે  કે યુલીસિસ ,આશ્ચર્યોથી થાકેલો 
રડી પડેલો પ્રેમથી નમ્ર ને લીલું 
ઇથાકા જોતાં. કલા છે એ ઇથાકા , 
લીલી શાશ્વતી, આશ્ચર્યો નહીં.
 
કલા અનંત છે વહેતી પસાર થતી નદી સમી  
ને તોય રહેતી  એ જ બદલાતી  
હેરાક્લીટસ  જે એ જ છે  
ને છતાં અન્ય, જાણે વહેતી નદી.


ગ્રીક મહાકાવ્ય ઓડીસીનો નાયક યુલીસિસ,  જે વિશ્વભ્રમણ કરી અનેક અજાયબીઓ જોતો અંતે વતન ઇથાકા પાછો ફર્યો.
હેરાક્લીટસ, ગ્રીક ફિલસૂફ , ‘સૃષ્ટિમાં મુખ્ય છે પરિવર્તન ‘ એમ માનતો .

No comments:

Post a Comment