Thursday, June 30, 2011

આનંદ પ્રશસ્તિ

તમે ચાહો છો માત્ર
ત્યારેજ જયારે તમે ચાહો છો નકામું.

અજમાવો એક બીજો રેડિયો પ્રોબ
જ્યારે દસ  નિષ્ફળ જાય

બસો સસલાં લો
જયારે સો મરી જાય:
માત્ર આ જ છે વિજ્ઞાન.

તમે પૂછો છો રહસ્ય .
એનું એક જ નામ છે:
ફરી. 

અંતે
કૂતરો એનાં જડબાંમાં
પાણીમાં
એનું પ્રતિબિમ્બ લઇ ચાલે છે ,

લોકો નવા ચંદ્રને જડી દે છે ,
હું તને ચાહું છું. 

સ્તંભ પેઠે ઈમારતનો બોજ ઉઠાવતી
નારીપ્રતિમાની જેમ
આપણા ઉંચકાયેલા બાહુઓ
કાળનો પથ્થરબોજ
ઉંચકે છે
ને પરાજિત
આપણે હંમેશાં જીતીશું


મિરોસ્લાવ હોલુબ

બારણું














જાઓ, ખોલો બારણું.
કદાચ બહાર હશે વૃક્ષ,ઝાડી
કે બગીચો
કે જાદુઈ શહેર.

જાઓ, ખોલો બારણું.
કદાચ બહારકૂતરો હશે ખંજવાળતો
કદાચ ચહેરો છે બહાર
કે આંખ
કે ચિત્ર
ચિત્રનું.

જાઓ, ખોલો બારણું.
જો બહાર ધુમ્મસ હશે
તો તે ચાલ્યું જશે.

જાઓ, ખોલો બારણું.
એમ બને કે બહાર માત્ર
પવનનો પોલો શ્વાસ.
નેએમ પણ બને કે
બહાર કશું જ ન હોય
બહાર.

જાઓ, ખોલો બારણું.
ઓછામાં ઓછું
હશે
દુષ્કાળ .



મિરોસ્લાવ હોલુબ

ચુમ્બન

તજી દીધાં છે એ વસ્ત્રો થાકી હજી ઉષ્માસભર
તું તારી આંખો બંધ કરે છે, હાલે છે
જાણે ગતિમાન ગીત
જન્મતું
અસ્પષ્ટ સઘળે
ગંધસભર , આહલાદક
સ્વયં મટી ગયા સિવાય  
તું ઓળંગી જાય છે
તારા દેહની સરહદો.
તેં કાળ પર ડગ માંડ્યાં છે
તું છે નવ્ય નારી
અનંત આગળ પ્રકટેલી.

પોલ એલ્યુઆર્દ

મારી એક માત્ર ઈચ્છા




















મારી એક માત્ર ઈચ્છા છે તને ચાહવાની.
એક ઝંઝા ભરી દે છે ખીણ.
એક મત્સ્ય નદી.
મેં સર્જી છે તને મારા એકાંત જેવડી,
આપણને સંતાવાને આખું વિશ્વ.
દિવસો અને રાત્રિઓ એકમેકને સમજવા માટે
જેથી તારી આંખોમાં હું જોઈ શકું
બીજું કશું નહીં પણ તને,મેં જેવી કલ્પી છે તેવી
ને તારી પ્રતિકૃતિ સમું વિશ્વ
ને જેમની ઉપર તારાં પોપચાંનું શાસન ચાલે છે
એવાં દિવસો ને રાત્રિઓ.

પોલ એલ્યુઆર્દ

વિરૂદ્ધ



હું તને ખુશીથી કહેત પણ મારે ન જ કહેવું જોઈએ..
કરૂણાન્તિકાનાં ઘસાઈ ગયેલાં જૂતાં પહેરી સમય નાચે છે બેઢંગ
ને સાક્ષી પૂરે છે પ્રેમ વિરૂદ્ધ.

વૃક્ષો ખીલ્યાં હતા પણ એકેય ફળ નહીં.
જીવવું જીવન ને હોવું ન હોવામાં .
જે કંઇ થતું , ન થતું.
ને ભવિષ્યકથન તે કેવું? ત્રીજો સાદ?




વ્લાદિમિર હોલન

એક છોકરીએ પૂછ્યું




















એક છોકરીએ પૂછ્યું તને: કવિતા એટલે શું?
તારે તો કહેવું’તું તું એ છે, તું એ તે કવિતા છે,હા,
ભય અને આશ્ચર્યમાં ચમત્કાર કરે જે સિદ્ધ .
હું સભાન છું તારા સૌન્દર્યના સંપૂર્ણ વિકસવા વિષે
ને કારણકે હું તને ચૂમી શકતો નથી કે નથી સંગે સૂઈ શકતોશકતો
ને કેમકે મારી પાસે કંઈએ નથી ને જેની પાસે આપવાને કશું નથી 
એણે તો બસ ગાવું જ રહ્યું...
પણ તેં આમ કહ્યું નહીં,તું ચૂપ રહ્યો
ને એણે ગીત સાંભળ્યું નહીં.

વ્લાદિમિર હોલન

Wednesday, June 29, 2011

કવિતાની કલા












 
 
તાક્યા કરવું કાળ ને જળની નદીને  
ને યાદ કરવું કાળ છે અન્ય નદી.    
જાણવું કે આપણે ભટકી જઈએ છીએ નદીની જેમ  
અને આપણા ચહેરા ગૂમ થઇ જાય છે જળની જેમ. 
એમ લાગે છે કે જાગવું છે અન્ય સ્વપ્ન 
જે સપનું જુએ છે સપનું જોવાનું નહિ ને મૃત્યુ  
જેનાથી આપને ડરીએ છીએ આપણાં અસ્થિમહીં છે મૃત્યુ. 
જેને આપને દરેક રાત્રિએ  કહીએ  છીએ સ્વપ્ન. 
જોવું પ્રત્યેક દિવસ ને વર્ષમાં પ્રતિક  
મનુષ્ય ને તેનાં તમામ વર્ષોનાં  
ને વર્ષોના રોષને પલટી દેવો  
સંગીત,ધ્વનિ કે પ્રતીકમાં 
મૃત્યુમાં સ્વપ્ન જોવા, સૂર્યાસ્તમાં  
સોનેરી ગમગીની – આવી છે કવિતા  
નમ્ર અને શાશ્વત, કવિતા , 
પાછી  ફરે છે જાણે પરોઢ ને સૂર્યાસ્ત.
ક્યારેક સાંજે એક ચહેરો હોય છે  
જે જુએ છે આપણને દર્પણના ઉંડાણમાંથી, 
કવિતા એવી જ જાતનું દર્પણ હોવી જોઈએ  
આપણને આપણો ચહેરો ઉઘાડી આપતું .

કહે  કે યુલીસિસ ,આશ્ચર્યોથી થાકેલો 
રડી પડેલો પ્રેમથી નમ્ર ને લીલું 
ઇથાકા જોતાં. કલા છે એ ઇથાકા , 
લીલી શાશ્વતી, આશ્ચર્યો નહીં.
 
કલા અનંત છે વહેતી પસાર થતી નદી સમી  
ને તોય રહેતી  એ જ બદલાતી  
હેરાક્લીટસ  જે એ જ છે  
ને છતાં અન્ય, જાણે વહેતી નદી.


ગ્રીક મહાકાવ્ય ઓડીસીનો નાયક યુલીસિસ,  જે વિશ્વભ્રમણ કરી અનેક અજાયબીઓ જોતો અંતે વતન ઇથાકા પાછો ફર્યો.
હેરાક્લીટસ, ગ્રીક ફિલસૂફ , ‘સૃષ્ટિમાં મુખ્ય છે પરિવર્તન ‘ એમ માનતો .

આત્મહત્યાઉત્સુક



 

એક પણ તારો બચશે નહીં આકાશમાં
રાત્રિ  સુદ્ધાં નહિ રહે.
હું મૃત્યુ પામીશ ને મારી સાથે સૂર્ય
અસહ્ય વિશ્વનો.
હું ભૂંસી નાખીશ પિરામિડો, સિક્કા,
ખંડો ને તમામ ચહેરા.
હું ભૂંસી નાખીશ એકત્ર થયેલો ભૂતકાળ 
હું પલટાવી દઈશ ઇતિહાસને ધૂળમાં , ધૂળમાંથી ધૂળ
હવે હું નીરખું છું અંતિમ સૂર્યાસ્ત..
હું સાંભળું છું અંતિમ પંખી.
હું કોઈને કાજે મૂકતો નહીં જાઉં ન હોવું.