અન્ના આખ્માતોવા
સ્મૃતિઓના ત્રણ શકવર્તી તબક્કા છે
ને પહેલો તો છે ગઈકાલ જેવો જ.
આત્મા સ્મૃતિઓના પવિત્ર ગુમ્બજ તળે
ને દેહ એમની છાયાના ચિદાનન્દમાં.
હૃદય મરી પરવાર્યું નથી ને આંસુઓનાં ઝરણ વહે છે.
શાહીનું ધાબું મેજ પર વણલૂછાયેલું છે,
હૃદય પર છે ચુંબનનું ચિહ્ન.
વિશિષ્ઠ, વિદાયનું ને અવિસ્મરણીય.
પણ આ ઝાઝું ટકતું નથી.
માથે નથી હવે ગગનગુમ્બજ. ને ક્યાંક
ઉદાસ્ પરામાં છે એકલું અટૂલું ઘર.
જ્યાં શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય છે,
જ્યાં વસે છે કરોળિયા ને સઘળે પડી છે ધૂળ,
જ્યાં ઉત્કટ પત્રો બળીને ભસ્મ થાય છે.
ચિત્રો ઝાંખાં પડતાં જાય છે
ને લોકો આવે છે તો જાણે કબર પર
ને ઘેર જઈ હાથ ધોવે છે
ને પાછું ધકેલી દે છે આવી ગયેલું આંસુ
થાકેલાં પોપચાં તળે ને મૂકે છે ગાઢ નિ:શ્વાસ.
પણ ઘડિયાળ ટીક ટીક કરે છે.એક વસંત
બીજી વસંતનું સ્થાન લે છે,આકાશ બંને છે ગુલાબી,
શહેરોનાં નામ બદલાય છે,
બનાવોને નજરે નિહાળનારા સાક્ષીઓ મૃત્યુ પામે છે.
ને જેની સાથે રડી શકાય, જેની સાથે સ્મૃતિઓ તાજી કરી શકાય
એવું કોઈ રહેતું નથી.
એ પડછાયા ધીરે ધીરે આપણાથી દૂર થાય છે
આપણે એમણે સાદ દેતા નથી.
એમનું પુનરાગમન આપણે માટે ત્રાસદાયી હશે,
ને એકવાર જાગી જતાં આપણને ખ્યાલ આવે છે કે આપણે ભૂલી ગયાં છીએ
આ એકલવાયા ઘર ભાણીનો રસ્તો.
ને લજ્જા ને ક્રોધથી ગૂંગળાતાં આપણે
સ્વપ્નમાં હોઈએ એમ એની તરફ દોડી જઈએ છીએ.
બધું જ જુદું છે ત્યાં.: લોકો,ચીજો,દિવાલો
ને આપણને કોઈ ઓળખતું નથી , આપણે અજાણ્યાં છીએ.
આપણે ખોટી જગાએ આવી ગયાં, હે ભગવાન!
હવે આવે છે સૌથી કટુ પળ.
આપણને ખ્યાલ આવે છે કે આપણે સાચવી શકીશું નહીં
આપણા જીવનની સીમાઓનો ભૂતકાળ.
ને આ ભૂતકાળ પારકો છે, ફ્લેટમાંના આપણા પડોશીઓને જેટલો પારકો છે એટલો જ.
ને આપણે એમને ઓળખી નહીં શકીએ,
જે મૃત્યુ પામ્યા છે ,
ને ઈશ્વરે જેમને આપણાથી વિખૂટાં પાડયા
ને આપણા વિના સારી રીતે જીવ્યાં
કદાચ વધારે સારી રીતે.
No comments:
Post a Comment